નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળે અને ખેડૂતો સુધી વૈજ્ઞાનિક તથા ટકાઉ ખેતી પદ્ધતિઓનું યોગ્ય માર્ગદર્શન પહોંચે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા અને પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

દેડિયાપાડા, નાંદોદ અને સાગબારા તાલુકાના ફુલસર, ગાડીત, પાંચપીપરી અને સેલંબા એમ ચાર ક્લસ્ટરના ખેડૂતો માટે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમનું સંકલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ડો. વી.કે. પોશિયા, મદદનીશ પ્રાધ્યાપકે પ્રાકૃતિક ખેતીના મહત્વના ઘટકો તેમજ ખરીફ્ પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડો. એમ.વી. તિવારી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)એ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, તેના ફાયદા અને યોગ્ય અમલીકરણ અંગે માહિતી આપી હતી. એમ.એલ. વિસાત, ફાર્મ મેનેજરે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો સાથે જીવામૃત અને નીમાસ્ત્ર્ર બનાવવાની પદ્ધતિ તથા તેનાઉપયોગ અંગે ખેડૂતોને વિસ્તૃત પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું.

તાલીમ બાદ ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના પ્રાકૃતિક કૃષિ મોડેલ ડેમો ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન મેળવ્યું હતું. સમગ્ર તાલીમ કાર્યક્રમમાં કુલ 377 ખેડૂતોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો