રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ધાબા ગ્રાઉન્ડ, રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, સાગબારા, ડેડીયાપાડા અને ચીકદા તાલુકાના અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 ભાઈઓ-બહેનો સહિત આશરે 500 જેટલા યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ એથલેટિક્સ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની ઝડપ, શક્તિ, કૌશલ્ય, પ્રતિભા અને રમતગમતની શિસ્તનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેદાનમાં જોરદાર ઉત્સાહ જગાવ્યો હત સ્પર્ધાનો પ્રારંભ રાષ્ટ્રીય કક્ષાના તિરંદાજ અને જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ ભીલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આજનો ખેલાડી આવતીકાલનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતા બની શકે છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લક્ષ્ય બનાવી આજથી જ શિસ્તબદ્ધ તાલીમ, સખત મહેનત અને સતત પ્રેક્ટિસ કરો તથા નર્મદા જિલ્લાનું નામ દેશ-દુનિયામાં રોશન કરો.500 જેટલા યુવા ખેલાડીઓની ઉત્સાહભેર ઉપસ્થિતિથી સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતની ઉર્જા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.