માનવીય સંસ્કૃતિમાં મુખવટો એટલે કે માસ્ક એ પોતાનો ચહેરો છુપાવવાનું નહીં, પરંતુ એક નવા જ પાત્રમાં પરકાયા પ્રવેશ કરવાનું અભ્દુત માધ્યમ છે. તાજેતરમાં ભારત પર્વમાં અતુલ્ય ભારત અંતર્ગત યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં ભારતના વિવિધ રાજ્યોની લોકકળાને રજૂ કરતા આકર્ષક મુખવટાઓ મૂકવામાં આવ્યા છે, જે મુલાકાતીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભારતના મુખવટા શીર્ષક હેઠળ સજાવાયેલા આ પ્રદર્શનમાં લાલ, લીલા, સોનેરી અને કાળા રંગના વિવિધ આકારના મુખવટાઓ એકસાથે જોવા મળે છે. લાકડું, માટી, ધાતુ અને કાગળના માવામાંથી કંડારાયેલા આ ચહેરાઓ માત્ર નિર્જીવ કલાકૃતિઓ નથી, પરંતુ સદીઓથી ધબકતી ભારતીય લોકસંસ્કૃતિ અને હસ્તકળાના મૂક સાક્ષી છે.
ભારતમાં મુખવટાની પરંપરાનો ઇતિહાસ પ્રાગૈતિહાસિક કાળ જેટલો જ પ્રાચીન અને રસપ્રદ છે. મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓના પ્રાચીન શૈલચિત્રોમાં શિકાર અને સામૂહિક નૃત્ય વખતે મુખવટા પહેરેલા માનવોની આકૃતિઓ જોવા મળે છે, તો સિંધુ ખીણની સંસ્કૃતિના ઉત્ખનનમાંથી પણ માટીના (ટેરાકોટા) નાના મુખવટા મળી આવ્યા છે. આદિમ કાળમાં માનવીએ પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપોને રીઝવવા, ખેતીની સમૃદ્ધિની કામના કરવા અને અનિષ્ટ તત્વોથી રક્ષણ મેળવવાની ધાર્મિક વિધિઓ માટે મુખવટાનો ઉપયોગ શરૂ કર્યો હતો. સમય જતાં ભરતમુનિના નાટયશાસ્ત્ર અને રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યોના પ્રભાવ હેઠળ આ પરંપરાએ સમૃદ્ધ લોકનાટયનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં દેવ અને દાનવના સંગ્રામની કથાઓ મુખવટાના માધ્યમથી ગ્રામીણ ચોરે જીવંત થવા લાગી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો