રાજપીપળા : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. અભિયાન અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ નેહાકુમારી મહાલાએ નર્મદા જિલ્લાની મુલાકાત લઈ વિવિધ પ્રા. શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં નવપ્રવેશી બાળકોને કુમકુમ તિલક કરી અક્ષરજ્ઞાનના પ્રથમ પગથિયે આવકાર્યા હતા.


અધિક સચિવ નેહાકુમારી મહાલાએ દેડિયાપાડા તાલુકામાં બાંડીશેરવાણ, ચુલી અને નવાગામ (પાનુડા) પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો અને વાલીઓના ચહેરા પર આ અવસરે અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા નેહાકુમારીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલો અને ઘરે આવ્યા પછી તેમના અભ્યાસ અને વિકાસ માટે રોજ અડધો કલાકનો સમય ફળવો. સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ભવિષ્યમાં દેશની દિશા અને દશા બદલવામાં મહત્વપૂર્ણ અને દેશહિત માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: