ગુજરાતમાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસન ક્ષેત્રે ઉત્સાહજનક સ્થિતિ જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, દિવાળીની રજાઓ દરમિયાન દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સહિત રાજ્યના આઠ મુખ્ય ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા અને સોમનાથ બાદ સૌથી વધુ પ્રવાસીઓ SOU ખાતે આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્રવધારો નોંધાયો છે. સરકાર દ્વારા પ્રવાસન માળખાકીય સુવિધાઓના વિસ્તરણ, પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં સુધારા અને પ્રવાસનને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલોના પરિણામે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે આ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલું વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની મુલાકાતે ઉમટી પડયા હતા. દિવાળીના એક અઠવાડિયામાં 6 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા રાજ્ય સરકારના અહેવાલ મુજબ, 6થી 14 નવેમ્બર દરમિયાન વર્ષ 2025ની દિવાળીની સમાન નવ દિવસની અવધિની સરખામણીએ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં 32.35 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં સૌથી વધુ 9.75 લાખ નોંધાઇ હતી, જે અગાઉના વર્ષ કરતા 128.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નડાબેટ ખાતે 37 હજારથી વધુ પ્રવાસીઓનો વધારો નોંધાયો હતો, જ્યારે અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપવે ખાતે મળીને 11.95 લાખથી વધુ પ્રવાસીઓનો વધારો નોંધાયો હતો.સોમનાથ મંદિરે પણ પ્રવાસીઓની સંખ્યામાં 9.12 લાખથી વધુનો વધારો નોંધાયો હતો, જે 43.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત ગિરનાર રોપવે ખાતે 48,800થી વધુ, વડનગર ખાતે 62 હજારથી વધુ અને ભુજ સ્થિત સ્મૃતિવન સ્મારક ખાતે 25 હજારથી વધુ પ્રવાસીઓનો વધારો નોંધાયો હતો.દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર જોવા મળેલી આ ભીડ રાજ્યના પ્રવાસન ક્ષેત્રની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી અને એકતાનગર આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન કેન્દ્ર તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો