નર્મદા મૈયાની ભક્તિ, શ્રાદ્ધા અને આસ્થાનું પ્રતીક ગણાતી પવિત્ર નર્મદા પરિક્રમાનો માહોલ હવે નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ચાતુર્માસ પૂર્ણ થતાં જ નર્મદા પરિક્રમાવાસીઓ ફરી એકવાર પોતાની પવિત્ર પરિક્રમાની યાત્રા આગળ વધારી રહ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. નર્મદે હર... નર્મદે હર... ના ગુંજતા નાદ સાથે નર્મદા જિલ્લાનો નર્મદા કિનારો ભક્તિમય બની ગયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પરિક્રમાવાસીઓ સાગબારા, સેલંબા થઈને દેડિયાપાડા પહોંચી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર તરફ્થી આવતા કેટલાક પરિક્રમાવાસીઓ દેડિયાપાડા તાલુકાના ડુમખલ માર્ગે ગુજરાતમાં પ્રવેશી નર્મદા નદીના કિનારે પોતાની પરિક્રમા આગળ વધારી રહ્યા છે. નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિક્રમાવાસીઓ પગપાળા વિહાર કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે નર્મદા મૈયા પ્રત્યેની અતૂટ શ્રાદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. નર્મદા પરિક્રમાવાસીઓની સેવા માટે નર્મદા જિલ્લામાં ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ થઈ ગયાં છે. સાગબારા, દેડિયાપાડા, નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં સેવાભાવી લોકો, સંસ્થાઓ અને ભક્તો દ્વારા પરિક્રમાવાસીઓ માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરિક્રમાવાસીઓ આ અન્નક્ષેત્રોનો લાભ લે છે.
