દેડિયાપાડા ચાર રસ્તા ચોકડી ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે એક બેકાબુ ટ્રકે ગંભીર અકસ્માતને નોતર્યો હતો જેના પગલે અફરા તફરી સર્જાઇ હતી. જો કે કોઇ જાનહાની નહી થતાં લોકોને હાશકારો થયો હતો. જો કે આ અકસ્માતમાં એક કાર અને 8 બાઇકોને નુકસાન થયુ છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર પાસિંગની કિઆ કારમાં મહારાષ્ટ્રનો એક પરિવાર દેડિયાપાડા ચોકડી ખાતે કાર સાઈડમાં ઉભી રાખી નાસ્તો કરી રહ્યો હતો. તે દરમિયાન સાગબારા તરફ્થી આવી રહેલી ટ્રકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સીધી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફ્ંગોળાઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અને ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. ત્યારબાદ ડિવાઈડર પાસે પાર્ક કરેલી અંદાજે 8 જેટલી મોટરસાયકલો પણ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે બાઇકોનું કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.

અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફ્તે સારવાર માટે દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં દેડિયાપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો