નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ગ્રામજનોને અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી ગંગાપુર, સેરવાઈ અને ખોડાઆંબા ગામમાં કુલ રૂા.2 કરોડ 9 લાખ 43 હજારના ખર્ચે ચેકડેમ કમ કોઝવે બનાવાશે. આ ત્રણે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત આંબાવાડી જિલ્લા પંચાયતનાં પૂર્વ સભ્ય અને નર્મદા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા દ્વારા કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, ગંગાપુર ગામે સ્મશાન તરફ્ જતા નદી પર રૂા. 69.46 લાખ, સેરવાઈ ગામે સ્મશાન તરફ્ જતા કોતર પર રૂા. 80.65 લાખ અને ખોડાઆંબા ગામેથી ઓલગામ તરફ્ જતા નદી પર રૂા.59.32 લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવેનું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા દ્વારા આ ત્રણેય કામો માટે દરખાસ્ત કરાઇ હતી. ત્યારબાદ ફેબ્રુ.-26માં વહીવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. હવે ત્રણે સ્થળે ખાતમુહૂર્ત સાથે વિકાસકાર્યોનો પ્રારંભ થયો છે. ખાસ કરીને ગંગાપુર અને સેરવાઈ ગામે ચોમાસા દરમિયાન કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે સ્મશાન સુધી પહોંચવા માટે વચ્ચે આવતી નદી અને કોતરને કારણે ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડતી હતી. વરસાદી પાણીના કારણે રસ્તો બંધ થઈ જતાં અંતિમવિધિમાં પણ અવરોધ ઊભો થતો હતો. હવે ચેકડેમ કમ કોઝવેનું નિર્માણ પૂર્ણ થતાં ગ્રામજનોની વર્ષોની મુશ્કેલી દૂર થશે. ચોમાસા દરમિયાન પણ અવરજવર વધુ સરળ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો