નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ત્રણ દિવસીય EMRS ક્લસ્ટર સ્તરીય સાંસ્કૃતિક મહોત્સવ અને સમૃદ્ધિ-2026નો તા. 26 નવેમ્બરના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. તા.26થી 28 નવેમ્બર-26 દરમિયાન યોજાનારા આ મહોત્સવની શરૂઆત શાળાના આચાર્ય પ્રમોદ કુમાર કનોજિયાના સ્વાગત પ્રવચનથી કરાઇ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી(GSTES)ના પૂર્વ નિયામક ચૌધરી અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પૂર્વ ટીપીઓ નાન સિંગ વસાવા, જવાહર નવોદય વિદ્યાલય તિલકવાડાનાં આચાર્ય, EMRS સાપુતારા, દેડિયાપાડા, ગોરા (નાંદોદ), ઉમરપાડા તથા તિલકવાડાના આચાર્યો, આદર્શ નિવાસી શાળા સાગબારાના આચાર્ય, ચોપડવાવ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો, ચોપડવાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અનેક મહાનુભાવો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં નર્મદા અને ડાંગ જિલ્લાના કુલ 8 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન એકલ નૃત્ય, સમૂહ નૃત્ય, 2D અને 3D ચિત્રકલા, ગાયન, નાટક, વક્તૃત્વ, કાવ્યપઠન અને વાર્તા વાચન જેવી વિવિધ સાંસ્કૃતિક તથા સાહિત્યિક સ્પર્ધાઓ યોજાશે. આ મહોત્સવનો મુખ્ય હેતુ આદિજાતિ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરો પાડવાનો, તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મહોત્સવ આદિજાતિ વિદ્યાર્થીઓને કલા, સંસ્કૃતિ અને પ્રતિભા રજૂ કરવાની તક મળશે.
