નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી અને હલ ગામ સહિત અંદાજીત 12 ગામના આદિવાસી ખેડૂતો તા. 29 જુલાઈ બુધવારના રોજ બળદો જોડીને હળ લાકડાં લઈને જંગલની જમીન ખેડવા માટે ઉમટી પડયા હતા. જેના કારણે જંગલખાતા અને આદિવાસી ખેડૂતો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો ઉભા થયા હતા. જો કે જંગલ ખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આદિવાસી ખેડૂતોને જંગલની જમીન ખેડવા માટે મંજૂરી આપવામાં આવી નહતી. જેના પગલે ખેડૂતો અને જંગલખાતાના કર્મચારીઓ વચ્ચે તુતુ મેમે પણ થયુ હતું. હાલમાં પણ આ વિસ્તારમાં તંગદીલી જોવા મળી રહી છે. સાગબારા તાલુકામાં જંગલની જમીન પરના ખેડાણના મુદ્દે ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે. ખોપી, હલગામ પાડી સહિતના 12 ગામોના ગ્રામજનો અને વન વિભાગ આમને-સામને આવી ગયા હતા. વર્ષોથી ખેતી કરતાં હોવાનો દાવો કરતા ગ્રામજનોએ ખેડાણ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડાણ અટકાવ્યું હતું. જંગલ જમીન મુદ્દો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. જંગલ જમીન મુદ્દો તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે.
આ વિસ્તારમાં જમીન પરના ખેડાણનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ મુદ્દે અનેક રાજકીય પક્ષો અને આગેવાનો પણ સક્રિય બન્યા છે. તાજેતરમાં જ ભરૂચ સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ગ્રામજનો વર્ષોથી ખેડાણ કરતાં હોવાનો દાવો સાથે ખેતરોમાં પહોંચ્યા હતા. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ખેડાણ શરૂ થવા દીધું નહોતું. વન વિભાગ દ્વારા ખેડાણ રોકાતા આદિવાસી આગેવાન લીલાબેન સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને વન વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. હાલ સમગ્ર મામલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચેનો આ વિવાદ હજુ યથાવત રહ્યો છે.
