મોવીથી રાજપીપળા સુધીના આશરે 22 કિલોમીટર લાંબા હાઇવે રોડની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. રોડનું કામ પૂર્ણ થયા બાદ અલગ-અલગ ચાર સ્થળોએ હાઇવે રોડ બેસી જતાં કામગીરીની ગુણવત્તા સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, હાઇવે રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી તકેદારીઓ રાખવામાં આવી નથી. રોડની બંને સાઇડમાં માટીનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. વરસાદી પાણીના નિકાલ માટે સાઇડમાં નીકો બનાવવામાં આવી નથી. જ્યાં સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂરિયાત છે ત્યાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી નથી. એટલું જ નહીં, જે સ્થળોએ પાણીના વહેણ માટે નાળાં બનાવવાની આવશ્યકતા છે ત્યાં પણ નાળાં બનાવવામાં આવ્યાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હાઇવે રોડની કામગીરીમાં કથિત ગેરરીતિ અને હલકી ગુણવત્તાના કામ અંગે હવે સવાલો ઊભા થયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પણ સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોડના ચાર સ્થળોએ બેસી જવાની ઘટના બાદ વાહનચાલકો અને મુસાફરોની સલામતી સામે પણ ચિંતા ઊભી થઈ છે. જો સમયસર સમારકામ અને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાઇવે રોડની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે તથા હલકી ગુણવત્તાનું કામ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ ગંભીર ફરિયાદને ધ્યાને લઈને સ્થળ તપાસ કરશેકે પછી રોડની દુર્દશા સામે આંખ આડા કાન કરશે
