નર્મદા જિલ્લામાં કપાસ રોકડિયા પાક તરીકે ખેડૂતો માટે મહત્વનો પાક છે. ચાલુ વર્ષે જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને શરૂઆતમાં કપાસનો પાક સારો દેખાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે હવે કપાસના પાકમાં ચુસિયો તથા રાતળીયો રોગનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતોની ચિંતા વધી છે.

નર્મદા જિલ્લામાં જે ખેડૂતોએ ચોમાસા પહેલાં કપાસનો પાક ઉછેરીને વાવેતર કર્યું હતું, તે કપાસના છોડ ઉપર ફૂલ-ભમરી બેસી ગઈ છે તેમજ જીંડવા પણ તૈયાર થઈ રહ્યા છે. પરંતુ હાલમાં કેટલાક વિસ્તારોમાં કપાસના છોડ ઉપર ચુસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના પાન લાલ થવા લાગ્યા છે અને પાન ખરવાની શરૂઆત થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કપાસના છોડ ભરયુવાનીમાં જ સુકાવા લાગતાં ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો આ રીતે સુકારો વધતો રહેશે તો બે-ત્રણ વીણી બાદ કપાસના છોડ ખાલીખમ થઈ જવાની અને ઉત્પાદન પર ગંભીર અસર થવાની શક્યતા છે.ખેડૂતોએ મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર, દવાઓ તથા મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો છે. મહેનતથી ઉછેરેલો કપાસનો પાક રોગના કારણે નબળો પડતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં કપાસનો ભાવ અંદાજે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,200 આસપાસ બોલાતો હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે પાકમાં રોગચાળો વધશે તો કપાસના ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે અને ખેડૂતોની આવકમાં ઘટાડો થવાની શક્યતા છે.

ખેડૂતો હાલ કપાસના પાકમાં રોગચાળાના યોગ્ય નિયંત્રણ માટે તાત્કાલિક કૃષિ વિભાગ દ્વારા માર્ગદર્શન, પાકનું નિરીક્ષણ અને જરૂરી સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સતત વધતા ખેતી ખર્ચ અને પાકના નુકસાનને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાથી સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો