દેડિયાપાડા : શ્રાવણ સુદ દશમના પાવન દિવસે શ્રાવણ માસના બીજા શનિવારે દેડિયાપાડા તાલુકાના વિવિધ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેડિયાપાડાના રોકડીયા હનુમાન મંદિરે મહંત ગિરીશ મહારાજ દ્વારા હનુમાનજીની પૂજા-અર્ચના કરાઇ હતી. મોટી સંખ્યામાં ભક્તો રોકડીયા હનુમાનજીના દર્શન માટે ઊમટયા હતા. ભક્તોએ આંકડાના ફૂલનો હાર, મગ, તેલ, સિંદૂર, નાળિયેર અને ગોળનો નૈવેદ્ય અર્પણ કરી હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. દેડિયાપાડાના ખોખરા-ઉમર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરે પણ મહંત ભગવાનદાસ મહારાજના સાનિધ્યમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી. મંદિર નજીક આવેલા શનિદેવ મંદિરે પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. ઉપરાંત પૂર્વ પટ્ટીના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં કોકમ ચુલિયા હનુમાનજી મંદિર, ઘાંટોલી દુધિયા હનુમાનજી મંદિર, મોસકુવા હઠીલા હનુમાનજી મંદિર, નિગટ હનુમાનજી મંદિર, કોયલીવાવ હનુમાનજી મંદિર સહિતના વિવિધ હનુમાનજી મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
