નર્મદા કલેક્ટરે મોવી નજીકના નિર્માણાધીન બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જિલ્લાના નાગરિકોની સુરક્ષા સર્વોપરી માનીને દેડિયાપાડા અને મોવી માર્ગ પર મોવી નજીકના નિર્માણાધીન બ્રિજની સ્થળ મુલાકાત લઈ બાકી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા આપ્યા નિર્દેશ આપ્યો હતો. ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સ્વચ્છતાની કરી સમીક્ષા કરી હતી.
નર્મદા જિલ્લામાં ગત સપ્તાહમાં ભારે વરસાદને કારણે રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર મોવી નજીક નદી પર નિર્માણાધીન નવા બ્રિજના ડાયવર્ઝનને નુકસાન થતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. જેને ધ્યાનમાં રાખી ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઇ હતી. આ માર્ગ દેડિયાપાડા-સાગબારા-ચીકદા તાલુકાના હજારો નાગરિકો માટે જિલ્લા મથક સુધી પહોંચવાનો મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે સ્થળ પર જઈ કામગીરીની પ્રગતિની જાતે સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એસ. એચ. મોદી તેમજ બ્રિજનું નિર્માણ કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓએ કલેક્ટરે બાકી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. જે વેળાએ દેડિયાપાડાના પ્રાંત અધિકારી જૂહી પાંડે પણ ઉપસ્થિત રહ્યાં હતા. કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા અને સુરક્ષા સરકારની સવારેચ્ચ પ્રાથમિકતા છે. તેમણે બ્રિજનું બાકી રહેલું કામ ગુણવત્તા સાથે અને ઝડપી ગતિએ પૂર્ણ કરી વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવા સૂચના આપી હતી.
સ્થળ નિરીક્ષણ બાદ પરત રાજપીપળા ફરતી વખતે કલેક્ટરે ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇને આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સેવાઓ, દવાઓનો જથ્થો, દર્દીઓને અપાતી સારવાર, સ્વચ્છતા અને આરોગ્ય કર્મચારીઓની કામગીરી અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે તબીબ અને નર્સિંગ સ્ટાફ્ સાથે ચર્ચા કરી સ્થાનિક નાગરિકો આરોગ્ય કેન્દ્રની સેવાઓનો પૂરતો લાભ લઈ રહ્યા છે કે, કેમ તેની માહિતી મેળવી દવાઓની ઉપલબ્ધતા અંગે સંતોષ વ્યક્ત કરતાં તમામ આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા સૂચના આપી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો