ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નર્મદા જિલ્લાના દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકાના સંભવિત ત્રણ દિવસીય પ્રવાસને લઈને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત પ્રવાસને સફ્ળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ તડવીના માર્ગદર્શન હેઠળ કચેરીનું રંગરોગાન કરવામાં આવ્યું છે. કચેરીની આસપાસ સાફ્-સફાઈ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના કર્મચારીઓ પણ કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયા છે. દેડિયાપાડા ખાતે આવેલી નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરીમાં અધિકારી નિખિલભાઈના માર્ગદર્શન હેઠળ રંગરોગાન અને સાફ્-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચેરીના પ્રાંગણમાં આવેલા વૃક્ષોને પણ ચૂનો અને ગેરુ લગાવી સુંદર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કચેરીના અન્ય વિસ્તારોમાં પણ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. દેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ વર્ષાબેન દેવજીભાઈ વસાવા દ્વારા પણ પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેડિયાપાડાના મુખ્ય માર્ગો સહિત અન્ય રસ્તાઓની સાફ્-સફાઈ કરવામાં આવી છે. તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં રંગરોગાન અને સફાઈની કામગીરી ચાલી રહી છે. ગામ પંચાયતો, આંગણવાડીઓ અને નંદઘરોને પણ સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેડિયાપાડા એસટી ડેપોમાં પણ સફાઈ કરવામાં આવી છે. લીમડા ચોક પાસે આવેલા જૂના અને જર્જરિત મકાનને તોડી દૂર કરી આસપાસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આવી જ રીતે દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકાઓમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં રંગરોગાન, સફાઈ અને સુશોભનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકાનો સંભવિત ત્રણ દિવસીય પ્રવાસ તા. 27, 28 અને 29 નવેમ્બર 2026 દરમિયાન યોજાય તેવી શક્યતા છે.
