નર્મદા તટે પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓનો મેળાવડો



તા. 10 ઓક્ટોબર, ભાદરવા વદ અમાસ, શનિવાર અને દર્શ-સર્વ પિતૃ અમાવાસ્યાનો સુભગ સમન્વય થયો છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સર્વ પિતૃ અમાવાસ્યાના પવિત્ર દિવસે પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. નર્મદા જિલ્લાના વિવિધ નર્મદા કિનારાના તીર્થસ્થળો પર શ્રદ્ધાળુઓ પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ સહિતની ધાર્મિક વિધિઓ કરશે. ખાસ કરીને ગરૂડેશ્વર દત્ત મંદિર નર્મદા કિનારો, રામપુરા નર્મદા કિનારો, નાની-મોટી પનોતી, કુંભેશ્વર નર્મદા કિનારો, પોઇચા-ગામડી નર્મદા કિનારો, કરનાળી કુબેર ભંડારી-ત્રિવેણી સંગમ તથા ચાણોદ મહાતીર્થ ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ નર્મદા કિનારે આવી પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરશે. આ પ્રસંગે નર્મદા કિનારે શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ જોવા મળશે. આ દિવસે શ્રાદ્ધ ઉપરાંત નારાયણ બલિ, સર્પદોષ નિવારણ વિધિ અને અન્ય ધાર્મિક ક્રિયાકાંડો ભૂદેવો દ્વારા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ નર્મદા નદીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર નર્મદા દર્શન અને નર્મદા સ્નાનથી મનુષ્યના આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ગરુડ પુરાણમાં પણ નર્મદા નદીના ધાર્મિક મહાત્મ્યનો ઉલ્લેખ જોવા મળે છે. સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે નર્મદા કિનારે સ્નાન કર્યા બાદ જૂના કપડાં, બુટ-ચંપલ તથા અન્ય વસ્ત્ર્રો નર્મદા કિનારે છોડવાની પણ કેટલીક સ્થળોએ ધાર્મિક પરંપરા જોવા મળે છે. ધાર્મિક માન્યતા મુજબ આ પ્રકારની વિધિથી પિતૃદોષ નિવારણ તથા પનોતી-સાડાસાતીમાંથી રાહત મળે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો