દેડિયાપાડા તાલુકાના બેસણાં ખાતે રૂપિયા 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આધુનિક સુવિધાઓથી સજ્જ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા જનજાતીય ગૌરવ દિવસના અવસરે ગત તા. 10 નવેમ્બર, 2026ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ શાળા શરૂ થવાથી દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકા સહિત સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાથે અભ્યાસ કરવાની ઉત્તમ તક મળશે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં મુખ્ય શાળા બિલ્ડિંગ, છાત્રાઓ માટે ગર્લ્સ હોસ્ટેલ, છાત્રો માટે બોયઝ હોસ્ટેલ, રસોડાનું બિલ્ડિંગ, શિક્ષકો માટે રહેણાક ક્વાર્ટર, શૌચાલય અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણશાસ્ત્ર્ર, ભૌતિકશાસ્ત્ર્ર અને જીવવિજ્ઞાનની ત્રણ અલગ-અલગ આધુનિક લેબોરેટરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ વિકસે તે માટે પુસ્તકાલય અને શારીરિક વિકાસ માટે વિશાળ રમતગમતનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી સહિતની વિવિધ રમતોમાં ભાગ લઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સ્કૂલમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને રહેણાક સુવિધા સાથે અભ્યાસ કરવાની તક મળશે. લોકાર્પણ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા, પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો