સાગબારા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીન અને ખેડાણના મુદ્દે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી.ખેડૂતોના જણાવ્યા મુજબ, જંગલ જમીન પર વર્ષોથી ખેડાણ કરતા ખેડૂતોને ફેરેસ્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખેડાણ અટકાવવા તથા કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પગલે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને જંગલ જમીન પર ખેડાણ કરવાની છૂટ આપવામાં આવે છે, તો સાગબારા તાલુકાના ખેડૂતો સાથે અલગ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવે છે? ખેડૂતો માટે સમાન નીતિ અને સમાન નિયમો લાગુ કરવાની માંગ ઉઠી છે.ખાસ કરીને ઉકાઈ જળાશયથી અસરગ્રસ્ત અને જમીન સંપાદનના કારણે વિસ્થાપિત થયેલા પરિવારોના પ્રશ્નને પણ ધ્યાનમાં લેવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો વિસ્થાપિત પરિવારોને જીવનનિર્વાહ માટેની જમીનના પ્રશ્ને મુશ્કેલી હોય તો સરકાર દ્વારા માનવતાના ધોરણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના આશરે 10થી 12 ગામોના ખેડૂતો આ મુદ્દાથી અસરગ્રસ્ત હોવાનું જણાવાઈ રહ્યું છે.આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા,સ નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ , આરોગ્ય સમિતિ ના ચેરમેન ડો. દયારામ વસાવા, ખોપી જિલ્લા પંચાયત ના ગીરધન વસાવા , આગેવાન લીલાબેન, ખોપી ગ્રામ પંચાયતના સરપંચ ઇશ્વરભાઈ વસાવા સહિત આજુબાજુ ના ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
