દેડિયાપાડા : સાગબારા તાલુકામાં શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે જોડાયેલા સ્વ-સહાય જૂથોના ખેડૂતોને ખેતીમાં શ્રમ ઘટાડવા તેમજ પોતાના ખેતપેદાશોના પ્રોસેસિંગની સુવિધા મળી રહે તે માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઇ છે.
RRAN નેટવર્ક અને Waasan સંસ્થાના માર્ગદર્શન હેઠળ હૈદરાબાદથી આવેલ સંતોષજી સહિતની ટીમે સાગબારા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ખેડૂતોને ખેતી દરમિયાન પડતી મુશ્કેલી, શ્રમ અને પ્રોસેસિંગની જરૂરિયાત અંગે માહિતી મેળવી હતી. જે અંતર્ગત મહિલાઓ અને પુરુષ ખેડૂતો માટે નિંદામણના સાધનો, ઘાસ કાપવાના સાધનો, હળદર પ્રોસેસિંગ યુનિટ, તેલ કાઢવાના સાધનો તેમજ મિલેટ પ્રોસેસિંગ માટેના સાધનો ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામગીરી કરાઇ રહી છે. ખાસ કરીને મહિલા મંચ સાથે જોડાયેલા અને પ્રાકૃતિક ખેતી કરતા પરિવારો પોતાના ખેતરમાં ઉત્પાદિત અનાજ અને અન્ય ખેતપેદાશોનું પ્રોસેસિંગ કરી શકે તેમજ આસપાસના ગામોના ખેડૂતોને પણ ઓછા ભાડે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે તેવો હેતુ છે. મહિલા મંચના આગેવાન અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત ઉષાબેન વસાવા દ્વારા ચાર ગામોની મુલાકાત લઈ ખેડૂતોના ખેતરો પર જઈ તેમની સાથે સીધી ચર્ચા કરાઇ હતી. ખેડૂતોને ખેતીમાં આવતી સમસ્યા અને જરૂરી સાધનો અંગે વિગતવાર માહિતી મેળવી સાધનો તથા સહાય ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું છે.
