નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ફાયર બ્રિગેડની કાયમી સુવિધાના અભાવે ફરી એકવાર આગની દુર્ઘટનામાં ગરીબ પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દેડિયાપાડાની પટેલ ચાલીમાં મંગળવાર, તા. 17 નવેમ્બર, 2026ના રોજ બપોરે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતાં ત્રણ કાચાં મકાનો આગની લપેટમાં આવી ગયાં હતાં. આગ એટલી વિકરાળ હતી કે એક મકાનમાં રહેલી ઘરવખરી, સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયાની રોકડ રકમ સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. દેડિયાપાડા ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજુબાજુનાં મકાનોમાંથી બોર મોટર દ્વારા પાઇપ મારફ્તે પાણીનો સતત મારો ચલાવી સ્થાનિક લોકોએ આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે આગ લાગ્યાના અંદાજે દોઢ કલાક બાદ ફાયર બ્રિગેડના બંબા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં આગે મકાનની ઘરવખરી સહિતનો મોટાભાગનો સામાન બળીને ખાક કરી નાખ્યો હતો. જો ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શક્યું હોત તો કદાચ નુકસાનની તીવ્રતા ઓછી થઈ શકી હોત!

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો