નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુનબાર ઈકો ટુરિઝમથી માત્ર 100 મીટરના અંતરે આવેલા ખેતરના કૂવામાં દીપડો પડી જતાં ચકચાર મચી હતી. વન વિભાગે રેસ્ક્યિૂ કરીની દીપડાને બહાર કાઢી જંગલમાં છોડયો હતો.
મળતી માહિતી મુજબ, વસાવા રાયસિગભાઈ કાલિયાભાઈના ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો હતો. કૂવામાં દીપડો હોવાની જાણ થતાં ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકો અને જાહેર જનતાને સુરક્ષિત અંતરે ખસેડી સમગ્ર રેસ્ક્યુ કામગીરી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરી હતી. વનવિભાગની ટીમે સ્થાનિકોના સહકારથી કૂવામાં ફ્સાયેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે તકેદારી અને સાવચેતી સાથે દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ દીપડાની તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે વનવિભાગ દ્વારા ડોક્ટરની મદદ લેવામાં આવી હતી. તબીબી તપાસ બાદ દીપડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
