દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં સોમવારે વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે લગભગ 10થી 11 વાગ્યાના ગાળામાં બંને તાલુકામાં ઝરમર વરસાદની એન્ટ્રી થઈ હતી. ધીમી ગતિએ વરસેલા વરસાદથી રસ્તા ભીંજાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


જોકે ખેડૂતો માટે આ વરસાદ પૂરતો સાબિત થયો નથી. દેડિયાપાડા અને ચિકદા તાલુકાના અનેક ખેડૂતોએ મકાઈ, કપાસ, ડાંગર, તુવેર સહિતના પાકોના મોંઘાદાટ બિયારણોનું વાવેતર કર્યું છે. પરંતુ જરૂરી પ્રમાણમાં વરસાદ ન થતાં વાવેલા બિયારણો બગડવાની ભીતિ છે. પરિણામે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે. અને તેઓ સારા વરસાદની આશાએ આકાશ તરફ્ મીટ માંડી રહ્યા છે.

બીજી તરફ્ સાગબારા તાલુકા મથકે સવારે લગભગ 10થી 11 વાગ્યાના ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે અડધો કલાક સુધી પડેલા વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યાં હતા. વેપારી મથક સેલંબા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. જોકે ખેડૂતોનું માનવું છે કે, આ વરસાદ પણ ખેતી માટે પૂરતો નથી. આગામી દિવસોમાં સારો વરસાદ ન પડે તો વાવેતરને નુકસાન થવાની શક્યતા યથાવત રહેશે. દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકામાં હજુ સુધી ચોમાસું મન મૂકીને વરસ્યું નથી. ખેડૂતો હવે સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આજે પડેલા વરસાદથી ગરમીમાંથી થોડી રાહત મળી છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલમાં ત્રણેય તાલુકામાં આકાશ વાદળછાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: