દેડિયાપાડા, ચિકદા, નેત્રંગ તથા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા સહિતના ઉપરવાસમાં સારો વરસાદ વરસતા દેડિયાપાડા તાલુકામાંથી પસાર થતી કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની સારી આવક થતાં નદી ફરી જીવંત બની છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
દેડિયાપાડા તાલુકાના પણગામ (કોલીવાડા) નજીક કરજણ નદીના પુલ પાસે પાણીનો પ્રવાહ વધતા સ્થાનિક લોકો જીવના જોખમે નદીમાં જાળ પાથરી માછીમારી કરતા જોવા મળ્યા હતા. પાણીના તેજ પ્રવાહ વચ્ચે માછીમારી કરવી જોખમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો માછલાં પકડવા ઉમટી પડયા હતા. કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
કરજણ નદીનું વરસાદી પાણી હવે કરજણ ડેમ જળાશયમાં પહોંચવાનું શરૂ થયું છે. જળાશયમાં પાણીનો સંગ્રહ વધતાં આગામી સમયમાં નાંદોદ, રાજપારડી, વાલિયા અને ઝઘડિયા વિસ્તારના ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળવાની આશા જાગી છે. સાથે જ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં પણ આ પાણી મહત્વપૂર્ણ સાબિત થશે.
કરજણ નદીમાં પાણીની સારી આવક થતાં દેડિયાપાડા, ચિકદા, નેત્રંગ, ઉમરપાડા સહિતના વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ અને નદીમાં આવેલા પાણીથી ખેતીને મોટો ફાયદો થશે. તેમના માટે કરજણ નદી ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો