ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે છોટાઉદેપુર જિલ્લાના યુવા નેતા મુકેશ રાઠવાનું નામ ભારતીય જનતા પાર્ટી એ જાહેર થયુ છે. આ નામની જાહેરાત જ્યારે થઇ ત્યારે મુકેશ રાઠવા રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સાથે ચા પી રહ્યા હતા. મુકેશ રાઠવા દેડિયાપાડા દેવમોગરા ખાતે તેમના કુળદેવી પંડોરી માતાજીના દર્શન માટે આવ્યા હતા અને દર્શન બાદ તેઓ નીલ રાવના ઘરે પહોંચ્યા ત્યારે તેઓને જાણ થઇ હતી કે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
મુકેશ રાઠવાએ રાજપીપળામાં સંદેશ સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારા કુળદેવી પંડોરી માતાના દર્શને પત્ની સાથે આવ્યો હતો અને ત્યારબાદ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ મારા મિત્ર છે તેમના ઘરે અમે પહોંચ્યા હતા ત્યારે મને ખબર પડી કે રાજ્યસભાના સાંસદ તરીકે મારૂ નામ પણ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરૂ છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષ 2001થી એટલે કે 25 વર્ષતી જોડાયેલો છું. મે કચ્છ અને વલસાડમાં પણ કામગીરી કરી છે.ત્યાર બાદ પ્રદેશ કારોબારી અને પછી છોટાઉદેપુર જિલ્લો બન્યો ત્યારે જિલ્લા અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. પ્રદેશ યુવા મોરચામાં પણ જવાબદારી સંભાળી હતી. હાલમાં છોટાઉદેપુર મહામંત્રી તરીકે કામ કરૂ છું.










