રાજપીપળા : બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત ઉજવાઈ રહેલા નારી વંદન ઉત્સવ-2026ના ભાગરૂપે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે નાંદોદ તાલુકાના જીતનગર સ્થિત બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 વિષયક કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થિનીઓને મહિલાઓના કાયદાકીય હક્કો, ફરીયાદ નિવારણની પ્રક્રિયા તેમજ મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સહાય અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, શિક્ષણનું મહત્વ, મહિલા સશક્તિકરણ અને સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં બિરસા મુંડા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ્ આર્ટ્સના આચાર્ય ડો. ધવલ પંડયા, NCC પ્રોગ્રામ ઓફ્સિર પાયલબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. પરમાર, મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. મૌયા, IUCW તથા શી ટીમના મેધનાબેન, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હિરલબેન, મહિલા સહાયતા કેન્દ્રના દિપીકાબેન તેમજ 181 મહિલા અભયમના સંધ્યાબેન ઉપસ્થિત રહ્યા હતાં.
