નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે સમરસ વિદ્યાસેતુ અભિયાનનો અસરકારક અમલ કરવાની માગ સાથે નિવૃત્ત શિક્ષક હરિલાલ જી. વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, તાલુકાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં કેટલાક બાળકો લાંબા સમયથી શાળાથી દૂર છે. જેના કારણે તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા માગ કરાઇ છે. શાળા છોડી ચૂકેલા તથા કોઈ કારણસર શિક્ષણથી દૂર રહેલા બાળકોની ઓળખ કરી તેમને પુનઃ શાળામાં પ્રવેશ કરાવવા અને તેમના શિક્ષણની સતત દેખરેખ રાખવા રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા ચલાવાતા સમરસ વિદ્યાસેતુ અભિયાનનો ગ્રામ્ય અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં અસરકારક અમલ થાય તો અનેક બાળકોને ફરી શિક્ષણ સાથે જોડી શકાય તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. બાળકોનું ભવિષ્ય ઘડવામાં પ્રાથમિક શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાથી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક કક્ષાના અધિકારીઓ દ્વારા સંકલિત કામગીરી કરે તેવી માંગ પણ કરાઇ છે. જેની નકલો સંબંધિત શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ અધિકારીઓને પણ મોકલાઇ છે.