નર્મદા જિલ્લા એલસીબીની ટીમે દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસેથી મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂા. 79,46,984નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા. 26 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે 7:15 કલાકે નર્મદા એલસીબીને મળેલી બાતમીના આધારે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્રની નંબર પ્લેટ ધરાવતા ટાટા આઇસર કન્ટેનરને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 33,552 ક્વાર્ટર બોટલો (કિંમત અંદાજે રૂા.64,41,984) મળી આવી હતી.આ ઉપરાંત પોલીસે દારૂ ભરેલો ટાટા આઇસર કન્ટેનર (કિંમત રૂપિયા 15 લાખ) અને એક મોબાઇલ સહિત કુલ રૂપિયા 79.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે ઓમપ્રકાશ ભાખરારામ બિશ્નોઈ (ઉ.વ.22), રહે. ધનોડા, તા. રામસર, જી. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે મહાદેવ રાજપુત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મહારાષ્ટ્રના મનોર વિસ્તારમાંથી દારૂનો જથ્થો મોકલી શિવમ ટ્રાન્સપોર્ટ સર્વિસના નામની ખોટી બિલ્ટીનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પકડાયેલા આરોપી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર ગુનાની વધુ તપાસ એલસીબી નર્મદાના પો.સ.ઇ. જે.આર. ડામોર ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો