સ્ટેચ્યુ ઑફ્ યુનિટીની નિહાળ્યા બાદ હવે એકતાનગરના પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને પણ અનુભવી શકશે. એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં 2.62 કિલોમીટર લાંબી અનોખી ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. ટ્રેઇલ ઑફ્ યુનાઇટેડ ઇન્ડિયા નામની આ ઇકો-ટ્રેઇલમાં પ્રકૃતિ, વન્યજીવન, મહિલા સશક્તિકરણ, યુવા, ભારતીય વારસો અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળશે. આગામી 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસન આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે.
ટ્રેઇલ ઑફ્ યુનાઇટેડ ઇન્ડિયાની વિશેષતા તેના પાંચ થીમેટિક ઝોન છે. વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતા-આ પાંચ વિષયોને કેન્દ્રમાં રાખીને ટ્રેઇલ પર વિવિધ થીમ આધારિત પ્રદર્શનો અને કલાત્મક શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે. આ ઝોન પ્રવાસીઓને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝાંખી કરાવશે.
