નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રૂા.12 કરોડના ખર્ચે 12 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં રેન ગનના 20 ટાવર દ્વારા વર્ષભર રેન ફોરેસ્ટ અનુભવ કરાવી શકાશે. સાથે જ બબલ ફાઉન્ટન, વોટરફોલ અને વિવિધ રાજ્યોનાં વૃક્ષો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ (સ્કાય વોક-વે) ગ્લાસ વોક-વે છે. જેમાં 35 મિલીમીટર જાડાઈના 132 કોરિયન ગ્લાસ લગાવાયા છે. જે એન્જીયરના કહેવા મુજબ આખા ભારતમાં પ્રથમ પ્રોજેકટ છે. આ રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે. જોકે આ (સ્કાય વોક-વે)ની ખાસિયત જોઈએ તો, ગોળાકાર ડિઝાઇનમાં તૈયાર કરાયેલા આ વોક-વે પર ચાલવાનો અનુભવ પ્રવાસીઓ માટે રોમાંચક બનશે. આ પ્રકારની ડિઝાઇનને વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરાઇ રહ્યો છે. એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી સહિતનાં પ્રવાસન આકર્ષણોની યાદીમાં હવે રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનો ઉમેરો જેનાથી પ્રવાસીઓને ખૂબ મજા આવશે.
