વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રોષ્ઠ પ્રકલ્પો, વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલના અવલોકનના ઉમદા આશયથી નર્મદા જિલ્લામાં આયોજિત પ્રગતિપથ યાત્રાનો ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહેમાનોના હસ્તે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતેથી લીલીઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શિવાનીબહેન મહેતા તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રગતિપથ યાત્રા બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, જીતનગર ખાતે પહોંચતા યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિસરમાં આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય દ્વારા આગંતુકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રાદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની મુલાકાત પૂર્ણ થયા બાદ પ્રગતિપથ યાત્રા નર્મદા ડેમ સહિત જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત માટે નિર્ધારિત રૂટ પર પ્રસ્થાન થઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો