નર્મદા જિલ્લામાં મોંઘવારીના માર વચ્ચે મધ્યમ અને ગરીબવર્ગ પીસાઈ રહ્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ સતત વધતા સામાન્ય લોકો માટે રોજિંદા જીવનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. જિલ્લાના બજારોમાં પેટ્રોલ-ડીઝલ સાથે ખાદ્યતેલ, ખાંડ, ગોળ, ડુંગળી સહિત વિવિધ ચીજવસ્તુના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવ અંદાજે રૂા. 2,800થી રૂા. 3,000 સુધી પહોંચ્યો હોવાનું સ્થાનિક ગ્રાહકો જણાવે છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં અનેક શાકભાજી રૂા. 80થી રૂા. 100 પ્રતિ કિલો સુધી વેચાય છે.
જિલ્લાના સાતપુડા પર્વતમાળા વિસ્તારના આદિવાસી પરિવારો માટે મોંઘવારીનો માર વધુ મુશ્કેલ બન્યો છે. મર્યાદિત આવક અને રોજગારીની સમસ્યા વચ્ચે જીવન જરૂરી ચીજવસ્તુના વધતા ભાવને કારણે બે ટંકનું ભોજન અને પરિવારનો ખર્ચ ચલાવવો પડકારરૂપ બન્યો છે. સ્થાનિકોની માગ છે કે, સરકાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ પર નિયંત્રણ લાવી ગરીબ અને મધ્યમવર્ગને મોંઘવારીમાંથી રાહત આપે.
