સફ્ળતા ક્યારેય સંજોગોથી મળતી નથી, તે સંકલ્પ, મહેનત અને અડગ આત્મવિશ્વાસથી સર્જાય છે. આ વાતને સાચી સાબિત કરી છે નર્મદા જિલ્લાના ડુંગરાઓમાંથી વૈશ્વિક જીન્માસ્ટિકના આકાશમાં નામ રોશન કરનાર ફ્લક વસાવાએ. એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફ્લકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝયુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
લેવલ-3 જીમ્નાસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડો.હિમાંશુ ગૌરીશંકર દવેએ જણાવ્યું હતુ કે, ફ્લક વસાવાની સફ્ળતા એક દિવસમાં મળી નથી. આ સખત મહેનતનું પરિણામ છે. વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશીપમાં છઠ્ઠું સ્થાન મેળવનાર ફ્લકે વધારે મહેનત કરી, પરિણામે માત્ર બે વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં પાંચમું સ્થાન હાંસલ કર્યું.










