દેડિયાપાડાથી નેત્રંગને જોડતા નેશનલ હાઇવે પર કરજણ નદી ઉપર આવેલો જૂનો અને જર્જરિત પુલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પાદરા તાલુકાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત પુલો અંગે તકેદારી વધારવામાં આવી છે. તેના ભાગરૂપે કરજણ નદી ઉપરનો આ જૂનો પુલ ભારદારી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, નવો પુલ બનાવવાની જગ્યાએ જૂના પુલનું રીપેરિંગ અને રિનોવેશન કરવામાં આવી રહ્યું હોવાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ જ્યારે આ પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર થતી હતી ત્યારે પુલના પાયા અને પિલ્લરો હચમચી ઉઠતા તથા ડોલતા હોવાનો અનુભવ થતો હતો. આવા સંજોગોમાં માત્ર ઉપરથી પુલનું રીપેરિંગ, સંરક્ષણ દિવાલ તથા કઠેરાનું કામ કરવામાં આવે તો પુલની વાસ્તવિક મજબૂતી કેટલી વધશે તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. પુલના પાયા અને પિલ્લરોની મજબૂતી અંગે યોગ્ય ટેક્નિકલ તપાસ કરવામાં આવી છે કે કેમ? પુલના પાયા ખરેખર કેટલી ક્ષમતા ધરાવે છે અને આગામી વર્ષોમાં ભારદારી વાહનોની અવરજવરનો ભાર સહન કરી શકશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ જર્જરિત પુલોની સલામતી અંગે ગંભીર ચર્ચા થઈ હતી. આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે કરજણ નદી ઉપરના જૂના પુલનું માત્ર ઉપરછલ્લું રીપેરિંગ કરવાને બદલે તેની સંપૂર્ણ સ્ટ્રક્ચરલ તપાસ કરાવી જરૂરી હોય તો નવો પુલ બનાવવો જોઈએ, તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.
