20

શિનોરથી માલસર રોડને પાંચ કરોડના ખર્ચે પહોળો કરવાના કામની મુદત પૂરી થયાને 9 માસ થયા છતાં રોડ બન્યો નથી. તેમજ સાધલીથી પોર રૂા.57 કરોડના ખર્ચે રસ્તાના ખાતમુહૂર્તને એક વર્ષ પૂરું થયું છતાં રોડ બન્યો નથી.

સાધલીથી પોરના રૂા.57 કરોડના ખર્ચે મંજુર થયેલ રસ્તાનું ગત તા.22 સપ્ટેમ્બર 2025ના રોજ ખાતમુહૂર્ત કરાયું હતું. જેની મુદત પુરી થઇ છતાં પૂરો થતો નથી. હજુ ક્યારે પૂરો થશે. તે કાંઈ નક્કી નથી. તે જ રીતે શિનોરથી માલસર રોડને પહોળો કરી મજબૂતીકરણ કરી 7 મીટરથી 10 મીટર કરવા રૂા.5 કરોડ 14 લાખ ઉપરાંતથી મંજૂર થયેલ છે. જેનું કામ તા.1 સપ્ટેમ્બર-25થી શરૂ કરવાનું હતું. તા.31 ડિસેમ્બર-25ના રોજ પૂરું કરવાનું હતું. રુદ્રા ઇન્ફ. પ્રોજેક્ટ દ્વારા આ કામ રખાયું હતું. જ્યારથી કામની શરૂઆત કરેલ છે. ત્યારથી આજદિન સુધી કામ પૂરું કરેલ નથી. છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ માર્ગ અને મકાનનું તંત્ર એરકન્ડિશન રૂમમાં બેસીને હજુ પણ બગાસા ખાવામાંથી ઊંચું આવતું નથી. ડામર વગરના આ બંને રસ્તા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કે તંત્ર દ્વારા પાણી છાંટવાની તસ્દી પણ લીધેલ નથી. જેના કારણે આજુબાજુની ખાણી-પીણીની દુકાનો અને ખેતરોમાં માટીના થર પાક ઉપર જામ્યા છે. ખેડૂતો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. છતાં પણ એજન્સી ઉપર નજર રાખનારા નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન ડભોઇ, નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લા વિભાગ વડોદરા, અને કાર્યપાલક ઇજનેર જિલ્લા માર્ગ મકાન વિભાગ વડોદરા દ્વારા જાહેર ખુલાસો કર્યા વગર એજન્સીનો બચાવ થઈ રહ્યો છે. કામ પૂરું કરવાની મુદત બંને રોડની પૂરી થઈ હોવા છતાં તંત્ર દ્વારા કયા કારણસર રહેમ નજર રાખે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો