સેલંબા : નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના શંભુનગરથી કાકરપાડા તરફ્ જતા મુખ્ય માર્ગ પર વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શંભુનગર ગામના સ્મશાન પાસે આવેલા નાળા નજીક રસ્તાનો એક મોટો ભાગ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. આ ઘટનાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં, સંબંધિત વિભાગ દ્વારા આજદિન સુધી આ જોખમી રસ્તાની મરામત કરવાની તસ્દી લેવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વ્યસ્ત માર્ગ પરથી દિવસ-રાત નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે. નાળા પાસે રસ્તો અત્યંત બિસ્માર અને ધોવાયેલી હાલતમાં હોવાથી વાહનચાલકોએ જીવના જોખમે પસાર થવું પડે છે. દિવસના સમયે તો વાહનચાલકો માંડ-માંડ બચીને નીકળે છે, પરંતુ રાત્રિના અંધકારમાં આ ધોવાયેલો ભાગ ન દેખાવાના કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.ચોમાસું પૂર્ણ થયાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા અહીં કોઈ આડશ (બેરિકેડ) કે ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. લોકોની માગ છે કે રસ્તાનું કાયમી ધોરણે સમારકામશરૂ કરાવે જેથી કોઈ મોટી જાનહાનિ અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો