દેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમ ખાતે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (એજીએસ) દ્વારા દક્ષિણ ગુજરાતના આદિવાસી ભીલ સમાજનાં 57 નવદંપતીઓ માટે કરિયાવર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેર ખાતે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા આયોજિત 131 સમૂહલગ્ન મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી 131 આદિવાસી નવદંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતનાં 57 નવદંપતીઓનો સમાવેશ થયો હતો. આ તમામ 57 દીકરીઓને કરિયાવર અર્પણ કરવાનો કાર્યક્રમ દેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (એજીએસ)ના પ્રમુખ વિપુલભાઈ વિનોદભાઈ રાણાના સૌજન્ય અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણા સહિત તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ઉપસ્થિત રહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નવદંપતીઓને આશીર્વાદ આપી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આ પ્રસંગે 57 નવદંપતીઓની દીકરીઓને નવા જીવનની શરૂઆતમાં ઉપયોગી બને તેવી કુલ 187 પ્રકારની ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો હતો.
