નાંદોદના ઢોલાર ગામે આદર્શ ગ્રામવિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઇ રહ્યા છે. મનસુખ વસાવા જાણે ભાન ભુલ્યા હોય તેવા આ નિવેદનથી વિવાદ પણ વધી રહ્યો છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓને વિદેશી અને કેમિકલવાળા દારૂના બદલે ઘરમાં જાતે બનાવેલા મહુડાના દારૂનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે.


ભાજપના દિગ્ગજ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામવિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં તેમણે ફરી એકવાર એવા નિવેદનો આપ્યા છે જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

ઢોલાર ગામે સાંસદે આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને દારૂના રવાડે ચડાવે છે. જોકે, આ દરમિયાન તેમણે ઉપસ્થિત લોકોને એવી સલાહ આપી દીધી કે જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમણે આદિવાસી સમાજને પોતાના ઘરે જ મહુડાનો દેશી દારૂ જાતે બનાવીને પીવાની સલાહ આપી હતી.

વધુમાં તેઓના સંબોધનમાં દારૂ મુદ્દે તેઓ બોલ્યા હતા કે આપણા બાપદાદાઓ વર્ષો પહેલા મહુડાનો જ દારૂ પીતા હતા. વાર, તહેવાર કે પ્રસંગ હોય અથવા દેવને ચઢાવો હોય તો મહુડાનો દારૂનો ઉપયોગ કરો. મહુડાના દારૂ અંગેની ખુલ્લી સલાહ બાદ, નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: