ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય, દ્વારા તા.10 મે થી 9 જૂન, 2026 દરમિયાન જનજાતિય ગરિમા ઉત્સવ-2026 ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી નિમિત્તે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા ગુજરાત આદિ ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરાયુ હતું. જેમાં સાગબારા તાલુકાના પાંચ પિપરી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવાનું ગુજરાત આદિ ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે ઉષાબેન છેલ્લા 15વર્ષથી પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના સંયોજન દ્વારા ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની સ્થાપના કરીને સશક્ત પહેલ દ્વારા ગ્રામ્ય આદિવાસી મહિલાઓને સંગઠિત કરી. તેમના અધિકારો. સ્વાવલંબન અને સશક્તિકરણ માટે સમર્પિત પ્રયાસો દ્વારા અભૂતપૂર્વ સફ્ળતા હાંસલ કરી છે. ઉષાબેનના પ્રયાસોથી 3000 થી વધુ મહિલાઓ બચત-ધિરાણના માધ્યમથી આર્થિક રીતે સશકત બની છે. આદિવાસી સમુદાયમાં મહિલા ઉત્કર્ષ અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વિકટ પરિસ્થિતિમાં એક આદિજાતિ મહિલા તરીકે અવિસ્મરણિય યોગદાન આપવા બાદલ TRI, ગુજરાત દ્વારા આ સન્માન આપવામાં આવ્યુ હતું.










