તાપી-કરજણ લિંકની ગુગલા શાખાની પાઇપલાઇનમાં આવતા ઉમરાન સહિતા પાંચ ગામોમાં હજુ પાણી છોડવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને ચીકદા તાલુકામાં તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને સિંચાઇ તેમજ પાણીની સુવિધા પૂરી પાડવાનો છે. જે યોજના અંતર્ગત ચિકદા વિસ્તારમાં આ યોજનાનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. જે ખૂબ સારી બાબત છે.
પરંતુ ચિકદા તાલુકાના ઉમરાન, ટીલીપાડા, રોઝઘાટ, ખાપરબુંદા, બાબદા વિસ્તારમાં આવનાર ગુગલા શાખા અંતર્ગત આવનાર પાણી છોડવામાં આવી રહ્યું નથી. જેને કારણે પાણીની ભારે કટોકટી સર્જાઇ છે. પાણીના સ્તરો નીચે જતાં સ્થાનિક ખેડૂતોને ખેતીકામમાં અને પાક બચાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદીઓ, ચેકડેમો તેમજ તળાવો સૂકાં ભટ્ટ થઈ જવાને કારણે આસપાસમાં ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની તકલીફ્ ઉભી થઈ છે. સરકારની આટલી મહત્વકાંક્ષી યોજના હોવા છતાં તેનો લાભ લોકોને મળી રહ્યો નથી. ત્યારે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇન દ્વારા પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો