ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણી દેડિયાપાડા તાલુકાના નિવાલદા જંગલ કામદાર મંડળીના ગ્રાઉન્ડમાં સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સ્વરોજગાર, વ્યસનમુક્તિ અને સામાજિક જાગૃતિ માટે સૌને સંયુક્ત પુરુષાર્થ કરવાનો અનુરોધ કર્યો હતો. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સમાજે આ સુવિધાઓનો મહત્તમ લાભ લઈને પોતાનાં દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ. અંતમાં તેમણે આહવાન કર્યું હતું કે, આદિવાસી સમાજે પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતા જાળવી રાખવાની સાથે આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણ પણ અપનાવવું જોઈએ. એક જાગૃત, શિક્ષિત, સંગઠિત અને આત્મનિર્ભર સમાજનું નિર્માણ કરવું એ જ ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્રને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમણે માત્ર 25 વર્ષની ટૂંકી વયમાં જનજાતીય સમાજમાં સ્વાભિમાન, સ્વતંત્રતા અને ક્રાંતિની નવી ચેતના જગાવી હતી. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા ખાતે આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાનનું વર્ચ્યુઅલ ઉબ્દોધન પણ સાંભળ્યું હતું.
