નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત ધરમેશ્વર મંદિરમાંથી વાઘના 37 ચામડા અને 133 નખ મળી આવતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અને વનવિભાગની ટીમે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) સાથે મળીને ઊંડી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મંદિરના મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળી આવ્યો છે, જે મુજબ તેઓ ફેબ્રુઆરી 1977માં અમેરિકા ગયા હતા. માધવાનંદ સ્વામી મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું ખૂલ્યું છે, જેના કારણે વનવિભાગની એક ટીમ હવે વાઘના આટલા મોટા પ્રમાણમાં મળેલા ચામડાના સ્ત્રોત શોધવા માટે મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવશે.
વન્યજીવ ક્રાઈમમાં મોટો ઘટસ્ફોટ
આ કેસમાં સૌથી ગંભીર બાબત વાઘના અવશેષોની આટલી મોટી સંખ્યા છે, જે કોઈ આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટ તરફ ઈશારો કરે છે. તપાસ એજન્સીઓ મહારાજના અમેરિકા અને અન્ય વિદેશી સંપર્કોની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે આ વન્યજીવ અવશેષોની વિદેશમાં નિકાસ તો કરવામાં નહોતી આવતી ને? હાલમાં વનવિભાગે તમામ મુદ્દા માલ જપ્ત કરી મહારાજના ભૂતકાળ અને તેમના નેટવર્ક વિશેની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
