નવસારી કૃષિ યુનિવર્સિટી પાસે આવેલા માનવ કલ્યાણ સંચાલિત મમતા મંદિર ખાતે માછી સમાજ સંગઠન દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને જરૂરિયાતમંદ પરિવારના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કેમ્પને સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્થાનિક શ્રોષ્ઠીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાયો હતો.

સમાજના વડીલોએ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવનાર દર્દીઓને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ જરૂરિયાતમંદ દર્દીઓ માટે શુગર, પ્રેશર, ઈ.સી.જી. અને કેલ્શિયમની તપાસ સહિતના કેટલાક પાયાના લેબોરેટરી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતાં, આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવા માટે સમાજના પ્રમુખ ઈશ્વર એન. ટંડેલ, મંત્રી રમણીકલાલ વી. ટંડેલ, કન્વીનરો કૃષ્ણવદન એસ. ટંડેલ, નિલયકુમાર એચ. ટંડેલ તથા ડો. અરવિંદ આર. ટંડેલ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.