જલાલપોર તાલુકાના વેસ્મા તેમજ આરક રણોદ્રામાંથી નીકળતું ગંદુ અને દુષિત પાણી નવસારી જિલ્લાની જીવાદોરી સમાન મીંઢોળા નદીને ઝેરી નાળું' અને કચરાપેટીમાં ફેરવી દેવાનું એક અત્યંત ગંભીર અને સુનિયોજિત ષડ્યંત્ર બેરોકટોક ચાલી રહ્યું છે. લોકમાતા મીંઢોળા નદીમાં રાસાયણિક ઝેર ઠાલવવાના પ્રકરણમાં વેસ્મા વિસ્તારમાં આવેલ બકરા મંડી નજીક ધમધમતી ઇન્ડસ્ટ્રીયલ વસાહતો અને ફેક્ટરીઓના બેફામ સંચાલકો દ્વારા પર્યાવરણના તમામ કાયદાઓને નેવે મૂકીને, કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ શુદ્ધિકરણ વગરનું રાસાયણિક, દુર્ગંધયુક્ત અને જીવલેણ ગંદુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સૌથી ચોંકાવનારી, ગંભીર અને શરમજનક બાબત એ સામે આવી છે કે માફિયાઓએ પોતાના આ કાળા કારસ્તાનને છુપાવવા માટે ચાલબાજીભરી રણનીતિ અપનાવી છે. આ દૂષિત અને તીવ્ર ગંધ મારતું પાણી કોઈની નજરે ન ચડે તે માટે ગીચ ઝાડી-ઝાંખરામાં છૂપી રીતે પાઇપો નાખવામાં આવ્યા છે અને આ પાઇપો મારફતે છોડાતું ગંદુ પાણી કુદરતી કોતરના સહારે સીધું મીંઢોળા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. 

સ્થાનિક જાગૃત નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ અને નદી કિનારે ખેતી કરતા ખેડૂતો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, બકરા મંડી નજીકના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો કેમિકલયુક્ત કચરો અને ઝેરી પ્રવાહી સરકારી નિયમ મુજબ નક્કી કરેલા પ્લાન્ટને મોકલાય છે. ત્યારબાદ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ગીચ ઝાડી-ઝાંખરાની આડમાં પાઇપો ફીટ કરીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ ગંદુ પાણી કુદરતી કોતરના વહેણના સહારે સીધું મીંઢોળા નદીમાં જઈને ભળે છે. આ પ્રદૂષિત પાણી એટલું તીવ્ર અને દુર્ગંધયુક્ત છે કે નદીના પાણીનો રંગ બદલાઈને કાળો-લાલ થઈ રહ્યો છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય ગૂંગળામણભરી દુર્ગંધ ફેલાઈ રહી છે. રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, મીંઢોળા નદી માત્ર એક જળસ્ત્રોત નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની અસ્મિતા, ખેતીનો આધાર અને હજારો જીવોનું આશ્રયસ્થાન છે. પરંતુ ઝાડી-ઝાંખરામાંથી પાઇપો દ્વારા કોતરમાં અને ત્યાંથી સીધું નદીમાં ઠલવાતા રાસાયણિક ઝેરના કારણે ભયાનક વિનાશ સર્જાઈ રહ્યો છે. આ પ્રદૂષિત પાણીના કારણે નદીના મીઠા પાણીમાં રહેતી લાખો માછલીઓ, કાચબા અને અન્ય જળચર જીવો આ ઝેરી રસાયણોના સંપર્કમાં આવવાથી તરફોડીને મોતને ભેટી રહ્યા છે. વેસ્મા, આરક રણોદ્રા અને આસપાસના ગામોના પશુપાલકોના મૂંગા પશુઓ તરસ છીપાવવા માટે નદી અને કોતર કિનારે જાય છે. આ દૂષિત અને કેમિકલયુક્ત પાણી પીવાના કારણે પશુઓમાં પેટના ગંભીર રોગો, ચામડીના રોગો ફેલાવાની શક્યતા છે અને પશુઓના અકાળે મૃત્યુ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. કોતરો અને નદીના પટમાં સતત ઠલવાતું આ ઝેરી પાણી જમીનમાં ઉતરીને આસપાસના કૂવા, હેન્ડપંપ અને બોરવેલના ભૂગર્ભ જળને પણ દૂષિત કરી શકે છે. જો આ સ્થિતિ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં આ પંથકના લોકોમાં કેન્સર, કિડની અને ચામડીની અસાધ્ય બીમારીઓ ઘર કરી જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો