ગણદેવી તાલુકાના ગડત ગામે અંબિકા ગ્રામ કેળવણી મંડળ સંચાલિત અંબિકા હાઈસ્કૂલના મંત્રી અને પ્રમુખપદે રહીને સતત 40 વર્ષ સુધી નિઃસ્વાર્થ અને સમર્પિત ભાવનાથી સેવા આપનાર અમૃત ખંડુભાઈ નાયકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં રવિવાર સવારે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

અમૃતભાઈ નાયકે ચાર દાયકા સુધી સંસ્થાનું નેતૃત્વ સંભાળીને અંબિકા કેળવણી મંડળ અને અંબિકા હાઈસ્કૂલના શૈક્ષણિક તથા માળખાકીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દત્તક લેવડાવી તેમના શિક્ષણની વ્યવસ્થા કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સમારોહના પ્રારંભે મંડળના મંત્રી પરિમલ નાયકે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આચાર્ય જિગ્નેશ ટેલરે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના હોદ્દેદારોએ અમૃત નાયકને શાલ ઓઢાડી અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. અંબિકા શાળા પરિવાર દ્વારા પણ તેમનું સન્માન કરી સંસ્થા પ્રત્યેની તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય વક્તા પરબના ટ્રસ્ટી ડૉ. જય વશીએ અમૃતભાઈના જીવનપ્રવાસ, સરળ વ્યક્તિત્વ, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સંસ્થાના વિકાસ માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં અમૃતભાઈ નાયકે ચાર દાયકાની સફરના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ, દાતાઓ, શિક્ષકો, કર્મચારીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

મંડળના નવનિયુક્ત પ્રમુખ સંદીપ નાયકે અમૃતભાઈના આદર્શો, સેવાભાવના અને માર્ગદર્શનને અનુસરીને સંસ્થાને વધુ પ્રગતિના પંથે લઈ જવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે દેવાંગ નાયક, નરેન્દ્ર ઉર્ફે મોંઘાભાઈ નાયક, યોગેશ નાયક, હાર્દિક નાયક, વિક્રમ નાયક, ફલ્ગુની નાયક, અલ્પેશ નાયક, જગદીશ નાયક, કિશોર પટેલ, અમરત પટેલ, આસપાસની શાળાઓના આચાર્યો, નિવૃત્ત આચાર્યો અને શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો