નવસારીના વિજલપોર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. અંગત અદાવતમાં અસામાજિક તત્વોએ બે નિર્દોષ યુવાનોને નિશાન બનાવી લોખંડની પાઇપ અને લાકડાના ફટકા વડે બેરહેમીથી માર મારતા ચકચાર મચી ગઈ છે.
વિજલપોર વિસ્તારમાં મારામારીના દ્રશ્યો
મળતી માહિતી મુજબ, વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા બે યુવાનો રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂની દુશ્મની રાખીને બેઠેલા ૬ જેટલા શખ્સોએ તેમને રસ્તામાં ઘેરી લીધા હતા. આ ટોળકીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકા અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફૂટી ગયું હતું.
વિસ્તારમાં તણાવ અને પોલીસ કાર્યવાહી
બબાલના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિજલપોર વિસ્તારમાં સ્થાનિકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને લોકોને વિખેરી મામલો કાબૂમાં લીધો હતો.
6 વિરુદ્ધ ગુનો દાખલ
વિજલપોર પોલીસે ભોગ બનનાર યુવાનોની ફરિયાદના આધારે હુમલો કરનાર ૬ શખ્સો વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા, ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી કામના