ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં મહિલાની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ફોટા વાયરલ કરનાર આરોપી મહારાષ્ટ્રથી પકડાયો હતો. આ બનાવ અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મહિલાની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરી તથા જનેશ્વર નલવાયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા અને તેમની ટીમે ટેક્નિકલ સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી આ અનડિટેક્ટ ગુનાને સફ્ળતાપૂર્વક ડીટેક્ટ કર્યો છે. આ કેસમાં આરોપી દ્વારા મહિલા તથા તેમના પિતાજીના ફોટા ઉપર અશોભનીય લખાણ લખીને ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયસંહિતા 2023ની કલમ-352 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ-66(સી), 67 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે ટેક્નિકલ ટીમના આધારે વર્કઆઉટ કરીને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ચાંદવડ ગામથી આરોપી મહેશ શિવાજી જાદવ (ઉં.વ. 26, રહે. ગુજરાતીનગર, ચાંદવડ)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલ 5,000 રૂપિયાની કિંમતનો એક OPPO કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
