નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામે દીપડાના હુમલાની એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની માસૂમ બાળકી જ્યારે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે અચાનક નજીકની ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ બાળકીને પકડી લેતા તેના ચીસ પાડવાના અવાજથી આસપાસના લોકો અને ખાસ કરીને તેના માતા-પિતા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


માતા-પિતાની બહાદુરી

પોતાની વ્હાલસોયી દીકરીને દીપડાના જડબામાં જોઈને માતા-પિતાએ જીવના જોખમે બહાદુરી બતાવી હતી. તેમણે બૂમાબૂમ કરી દીપડાનો સામનો કરતા અંતે દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. જોકે, આ હુમલામાં બાળકીને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર બહેજ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પાંજરું મૂકી આદમખોર દીપડાને પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો માસ્ટરમાઈન્ડ ઝબ્બે, ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચ્યો

  • Follow us on: