ગુજરાતના કાંઠા વિસ્તારમાં મર્ચન્ટ નેવીમાં નોકરીના ક્રેઝનો ગેરલાભ ઉઠાવીને 21 જેટલા યુવાનો સાથે રૂપિયા 40.34 લાખની જંગી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટીપૂર્ણ પર્દાફાશ થયો છે. જલાલપોર તાલુકાના ઓંજલ ગામના એક યુવાનની ફરિયાદના આધારે જલાલપોર પોલીસે આ મામલે મુખ્ય આરોપી વિનોદ પટેલની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ, ઓંજલ માછીવાડના રહેવાસી તુરંગમાર ટંડેલની દોઢ વર્ષ પહેલાં વિનોદ પટેલ સાથે મુલાકાત થઈ હતી.
આવી રીતે યુવાનોને ફસાવ્યા
વિનોદે તુરંગકુમારને મર્ચન્ટ નેવીમાં સારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. વિનોદે એડવાન્સ ફી, મુંબઈમાં ઇન્ટરવ્યૂ, મેડિકલ ટેસ્ટ, અને વિદેશની ટિકિટના બહાના હેઠળ તુરંગકુમાર પાસેથી બે હપ્તામાં કુલ રૂપિયા 2.50 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વિનોદે ક્યારેક 'શીપ એન્કર પર છે', ક્યારેક 'રમઝાનની રજાઓ છે' તો ક્યારેક 'શીપ કેન્સલ થઈ ગયું છે' જેવા વિવિધ બહાના બતાવીને તુરંગકુમારને નોકરી પર જોઈનિંગ કરાવ્યું ન હતું.
21 યુવાનો બન્યા છેતરપિંડીનો ભોગ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એકલા તુરંગકુમાર જ નહીં, પરંતુ જલાલપોર તાલુકાના ઓંજલ, રામનગર, કૃષ્ણપુર, કણિયેટ, ચોરમલા ભાઠા, બોરસી માછીવાડ અને ઉદવાડા સહિતના કાંઠા વિસ્તારના કુલ 21 યુવાનો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ તમામ યુવાનો પાસેથી આરોપી વિનોદ પટેલે કુલ રૂપિયા 40.34 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. ભોગ બનનારાઓમાં પ્રીતેશ ટંડેલ (રૂપિયા 1.90 લાખ), પ્રશાંત ટંડેલ (રૂપિયા 2.90 લાખ), પાર્થ ટંડેલ, વિવેક ટંડેલ, મુકેશ ટંડેલ, જીગ્નેશ ટંડેલ, મનીષ ટંડેલ (તમામ રૂપિયા 2-2 લાખ) સહિત અન્ય યુવાનોનો સમાવેશ થાય છે. જલાલપોર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિનોદ પટેલની ધરપકડ કરી છે, જે ઘરે જ કન્સલ્ટન્સી ચલાવતો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આરોપી પાસેથી કબજે કરવાના બાકી દસ્તાવેજો મેળવવા, છેતરપિંડીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને પડાવેલી રકમ ક્યાં વાપરી તે અંગે ઊંડી તપાસ હાથ ધરશે.