ચીખલી : ચીખલી તાલુકામાં 24 કલાકમાં વધુ 6 ઈંચ સાથે સિઝનનો વરસાદ 86.76 ઈંચ પડી ગયો છે. ગુરૂવારે સાંજે 4 વાગ્યાથી સવારે છ વાગ્યે સુધીમાં 118 મીમી (4.72 ઇંચ) શુક્રવારે પણ 1.34 ઈંચ મળીને 152 મીમી (6.08ઇંચ ) વરસાદ નોંધાયો હતો. કાવેરી નદીમાં પાણી ઝડપથી પાણી ઓસરી જતા 14-ફૂટે વહી રહી હતી. ખેરગામમાં વધુ 2.84 ઈંચ વરસાદ પડતા સિઝનનો વરસાદ 85 ઈંચ થયો છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી લોકમાતાઓમાં ઘોડાપુર બાદ આજે બીજા દિવસે વહેલી સવારે પાણી ઓસરતા અનેક ગામોમાં તારાજીના દ્રશ્યો બહાર આવ્યા હતા. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ પણ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ, સાંસદ ધવલ પટેલ સાથે ચીખલીની મુલાકાત લીધી હતી. ચીખલી અને ઉપરવાસમાં ગુરુવારે અનરાધાર વરસાદ વચ્ચે તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા ,અંબિકા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરો ગાંડીતુર બની વહેતા કાવેરી નદીના પાણી હરણ ગામ, ખૂંધ, સાદકપોર-ગોલવાડ, ચીખલી, સમરોલી તલાવચોરા ,હોન્ડ, વંકાલ, ધેક્ટી, રાનકુવા, દોણજા, ધેજ, ચરી, ફ્ડવેલ, આલીપોર, ચીમલા સહિતના ગામોમાં સંખ્યાબંધ ઘરોમાં ગયા હતા. ગોલવાડ, ચીખલી, સમરોલી, તલાવચોરા સહિતના ગામોમાં અનેક લોકો ફસાયા હતા જેમને એસડીઆરએફ્ ની ટીમે રેસ્ક્યુ કરાયા હતા. સાદકપોર-ગોલવાડ, તલાવચોરા, ધેજ સહિતના ગામોમાં કેટલાક દુધાળા પશુઓ અને પોલટ્રી ફર્મમાં મરઘાઓના પણ મોત નિપજ્યા હતા તો રાનકુવા પટેલ વાડી પાસે બીલીમોરા-વઘઇ નેરોગેજ લાઇનનો રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર બંધ કરવાની નોબત આવી હતી.
