નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે લાલ આંખ કરી છેલ્લા બે દિવસથી શહેરમાં ખાણીપીણીના એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતાં અખાદ્ય સામગ્રી વેચતા અને ગંદકી ફેલાવતા સંચાલકોમાં ભારે ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમ્યાન સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી રાખનાર 10થી વધુ રેસ્ટોરન્ટોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરેલી આ ઝુંબેશમાં પારસી હોસ્પિટલ સામે આવેલા જાણીતા ખીચડી સેન્ટરમાં ભારે ગંદકી અને સ્વચ્છતાનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. અહીંથી ઘી, દહીં અને આઇસ્ક્રીમ સહિતનો અંદાજે 20 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળી આવતાં સ્થળ પર જ નાશ કરી સેન્ટરને તાળાં મરાવી દેવાયાં હતાં. ઉપરાંત શહેરના માણેકલાલ રોડ સ્થિત આઇસ્ક્રીમની એક જાણીતી દુકાનમાં શંકાસ્પદ કોલ્ડ કોકો અને વ્યાપક અસ્વચ્છતા ધ્યાને આવતાં તેને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ અપાયો હતો.
